આભાસી મૃત્યુનું ગીત -રાવજી પટેલ
મારે આંખે કંકુના સૂરજ આથમ્યા...
મારી વે'લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારે આંખે કંકુના સૂરજ આથમ્યા...
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા,
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ,
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારે આંખે કંકુના સૂરજ આથમ્યા...
મને રોકે પંછાયો એક ચોકમાં,
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરેથી ઝાલ્યો;
મને વાગે સજીવી હળવાશ !
-રાવજી પટેલ
**********************************************************
કષ્ણ–રાધા – પ્રિયકાંત મણિયાર
આ નભ ઝૂક્યું તે કા’નજી
ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કા’નજી
ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કા’નજી
ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત શિખર કા’નજી
ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કા’નજી
ને પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કા’નજી
ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કા’નજી
ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કા’નજી
ને નજરું જુએ તે રાધા રે.
(પ્રિયકાંત મણિયાર (૨૪-૧-૧૯૨૭ થી ૨૫-૬-૧૯૭૬) ની આ અતિપ્રસિદ્ધ આરતી છે. દરેક કવિસંમેલનના અંતે પ્રિયકાંત આ આરતી સ્વકંઠે અવશ્ય ગાતાં. પ્રિયકાંત જ્યારે ગીત લખે છે ત્યારે ખીલે છે. વિરમગામમાં જન્મ, અમરેલીના વતની અને અમદાવાદમાં વર્ષો સુધી મણિયારનો વ્યવસાય એમણે કર્યો.
1 comment:
Priykant Maniyar ni mari favourite rachna...
Thank u for it...
Post a Comment